Gujarat

ભેસ્તાન વિસ્તારમાં ત્રણ એકરમાં ફેલાયેલા ચિંદી કાપડના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, કલાકોની જહેમત બાદ કાબૂ મેળવાયો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો. ગભેણી ચોકડી પાસે અલગ અલગ ચિંદીના ગોડાઉન આવેલા છે જેમાં કાપડનો ચિંદીનો જથ્થો હતો. જ્યાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ કલાકોની જહેમત બાદ કાબૂમાં આવ્યા બાદ પણ કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી.

ખુલ્લા પ્લોટમાં 50 કરતાં વધારે કાપડના ગોડાઉન સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે સાડીના નાના નાના કટકા કાપડના બચી જતા હોય છે. તેનું એક અલગથી ગોડાઉન વેપારીઓ કરી દેતા હોય છે. ઘણા લોકો ટેક્સટાઇલ માર્કેટમાં જે વધેલા કાપડના ટુકડા હોય છે તેને એકત્રિત કરતા હોય છે. તેવી રીતે ગભેણી વિસ્તારમાં ચોકડી પાસે ખુલ્લા પ્લોટની અંદર આવા ગોડાઉન ઉભા કરી દેવામાં આવ્યા છે.

અંદાજે ત્રણ એકર જેટલી જમીનમાં આ ગોડાઉન ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવ્યા છે. જેમાં ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો ચિંદીનો જથ્થો હતો. જ્યાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. કાપડનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવો ખૂબ જ મુશ્કેલ બન્યો હતો.

અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓએ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વિકરાળ હોવાને કારણે કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો.