આજથી શરૂ થયેલા બજેટ સત્રમાં શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે પૂર આવ્યું હતું. પાલિકા દ્વારા આ વર્ષે પૂર ન આવે તે માટે પ્રાથમિક કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, સત્તાપક્ષ ભાજપાના કાઉન્સિલરોએ શંકા સેવતા સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, આગામી 100 દિવસમાં એટલે કે આગામી ચોમાસા પહેલાં નદી ઉંડી કરવાની કામગીરી પૂર્ણ થશે કે કેમ? વિશ્વામિત્રી નદીની ચર્ચામાં વિપક્ષી નેતાએ ભાગ લેતા સવાલ કર્યો કે, કોના કહેવાથી અને કોના દબાણને વશ થઇને વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટના ટેન્ડરો ઇન્વાઇટ કર્યા હતા? સભામાં એક સૂરમાં કાઉન્સિલરોએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ આગામી ચોમાસા પહેલાં પૂરો કરવા માંગણી અને લાગણી વ્યક્ત કરી હતી.
વિશ્વામિત્રી નદી અંગે ભાજપના કાઉન્સિલર મનીષ પગારેએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આગામી ચોમાસા પહેલાં નદીને ઉંડી કરવા સહિતની કામગીરી પૂરી થશે? મનિષ પગારેના આ સવાલને સમર્થન આપતા ભાજપના અન્ય સભ્યોએ પણ આ અંગે રજૂઆત કરી હતી.
તેની સામે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભથ્થુંએ જણાવ્યું કે કોના કહેવાથી અને કોના દબાણને વશ થઈને ટેન્ડરો ઇન્વાઇટ કર્યા હતા. તેવી રજૂઆત કરતાં સભામાં સન્નાટો છવાઇ ગયો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આજથી શરૂ થયેલી બજેટ બેઠકમાં વિશ્વામિત્રી સહિત વિવિધ મુદ્દાઓ ઉપર કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી. બજેટ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા, પહોળી કરવા, વરસાદી કાંસ, તળાવો ઉંડા કરવા તેમજ નવા તળાવો પણ બનાવવામાં આવનાર છે.
જેની સામે ભાજપના જ કાઉન્સિલર મનીષ પગારેએ જણાવ્યું હતું કે, ગત વર્ષે જે રીતે વડોદરા શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી અને મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને લોકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. ત્યારે હવે આગામી ચોમાસા પહેલાં વિશ્વામિત્રી સહિત તળાવો ઉંડા કરવાની કામગીરી પૂર્ણ થશે કે કેમ?

