વડોદરા શહેરના ગાજરાવાડી ખાતે મોડી રાત્રિના ફરિયાદીને તલવાર બતાવી ડરાવી ધમકી આપી બે બંધ મકાનમાં ઘરફોડચોરી અને લુંટનો ગુનો આચરનાર 3 રીઢા શિકલીગર આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના ગાજરાવાડીમાં આવેલા સીયારામ નગરમાં રહેતા ફરિયાદીને ત્યાં રાત્રિના સમયે એક શખસ ઘર બહાર તલવાર સાથે ઉભો હતો. તેને જોઇને ફરિયાદીએ પુછ્યું હતું કે, તમે કોણ છો, અને મારા ઘરા આગળ શું કરો છો. ત્યાર બાદ તેણે ફરિયાદીને તલવાર બતાવીને ધમકાવ્યા કે, જો બુમ પાડી તો તલવાર ફેરવી દઇશ, ત્યાર બાદ મકાનમાં પ્રવેશીને લોખંડની તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ 7.47 લાખ રૂપિયાની મત્તાનો હાથફેરો કર્યો હતો.
જે અંગે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ઘરફોડ ચોરી અંગે સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ કરતા અગાઉ ચોરીમાં પકડાયેલા શિકલીગર આરોપી પ્રેમસિંગ ઉર્ફે ભીમો, અમરસિંગ ઉર્ફે પાપે અને કુલદીપસિંગ ઉર્ફે સન્નીસિંગ શંકાસ્પદ જણાઇ આવ્યા હતા.
બાદમાં વધુ તપાસ કરતા ટીમોએ અમરસિંગ ઉર્ફે પાપે લોહરસિંગ બાવરી (શિકલીગર) (રહે. મહાનગર ઝૂંપડપટ્ટી, જલારામનગર, ડભોઇ રોડ), કુલદીપસિંહ ઉર્ફે સન્નીસિંહ બાવરી (શિકલીગર) (રહે. નિઝામપુરા, પેન્શનપુરા, આંબેડકર ચોક, વડોદરા) અને પ્રેમસિંગ ઉર્ફે ભીમો સતનામસિંગ બાવરી (શિકલીગર) (રહે. શંકરનગર, સયાજીગંજ)ને વાડી, શાસ્ત્રીબાગ પાસે આવેલા વુડાના મકાનોમાં કબ્રસ્તાન પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા.