Gujarat

ગોધરામાં પતિના ત્રાસથી કંટાળી મહિલાએ ટ્રેન નીચે પડતું મૂક્યું, સુસાઈડ નોટમાં બીજા લગ્નનો આરોપ

ગોધરામાં એસઆરપી ક્વાર્ટર્સમાં રહેતા અને જાંબુઘોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ બારીયાની પત્ની મંજુલાબેને રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યો છે. મંજુલાબેને સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેમના પતિ બીજી પત્ની લાવવા માગે છે.

13 વર્ષ પહેલા શહેરા તાલુકાના ધામણોદની મુવાડી ખાતે મંજુલાબેનના લગ્ન ભુપેન્દ્રસિંહ સાથે થયા હતા. દંપતીને એક દીકરો અને એક દીકરી છે. શરૂઆતમાં બંનેનું દાંપત્યજીવન સુખી હતું. પરંતુ છેલ્લા એક વર્ષથી ભુપેન્દ્રસિંહને અન્ય યુવતી સાથે સંબંધ હોવાથી તેઓ મંજુલાબેનને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.

મૃતકના પિતા વજેસિંહ પટેલે જણાવ્યું કે આપઘાત પહેલા મંજુલાબેને ફોન પર કહ્યું હતું કે પતિએ તેમને માર માર્યો છે. તેમણે થેલીમાં સુસાઈડ નોટ મૂકી હતી જેમાં પતિ બીજી પત્ની લાવવા માગે છે તેવો ઉલ્લેખ કર્યો હતો.

મંજુલાબેનની બહેન રેણુકાબેને જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી ભુપેન્દ્રસિંહ તેમની બહેનને ત્રાસ આપતા હતા. બે દિવસ પહેલા તેમણે મંજુલાબેન પર હુમલો કરી કપડાં ફાડી નાખ્યા હતા અને ઘરમાં તોડફોડ કરી હતી.