Gujarat

માવઠાથી પાક નુકસાનનું વળતર આપવા AAPની માંગ – સેટેલાઈટથી સર્વે કરી વળતર ચૂકવો, ભાજપના ભ્રષ્ટાચારના કારણે પાક વીમા યોજના બંધ થઈ હોવાનો આક્ષેપ

છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક અને તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોને થયેલા પાક નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા માટે આમ આદમી પાર્ટીએ સરકાર પાસે માંગ કરી છે.

સરકાર પાક નુકસાનનો સેટેલાઇટ સર્વે કરે તેવી પણ આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ ભાજપના ભ્રષ્ટાચારના કારણે પાક વીમા યોજના બંધ થઈ હોવાથી જેનો ભોગ ગુજરાતના ખેડૂતો બની રહ્યા હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારના કારણે પાક વીમા યોજના બંધ થઈ છે, તેનો કોઈ પણ ખેડૂતોએ વિરોધ કર્યો નહતો. ગુજરાતમાં પાક વીમા યોજનાની જરૂર છે, પરંતુ ભાજપનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો એટલે પાક વીમા યોજના બંધ કરવામાં આવી જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.

એક દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે તો વેલાના શાકભાજી નાશ પામશે ખેડૂતોએ લાખો હેક્ટરમાં વાવેલો કપાસ, મગફળીનો પાક બગડી રહ્યો છે. કઠોળ, બાગાયતી પાકને અને શાકભાજીને નુકશાન થઈ રહ્યું છે. હજુ એક દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે તો વેલાના શાકભાજી નાશ પામશે.

શાકભાજીમાં વરસાદના કારણે જીવ જંતુનો ઉપદ્રવ વધી જશે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાનું છે. ગુજરાત સરકાર સેટેલાઈટથી સર્વે કરતી હોય તો તાત્કાલિક સેટેલાઈટથી સર્વે કરી નુકસાનનો અંદાજો મેળવવો જોઈએ અને ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી અમારી માંગણી છે.