જામનગરના પંચેશ્વર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં લિફ્ટ રિપેરિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે રાત્રે લિફ્ટનો બોલ્ટ ખુલી જતાં લિફ્ટ નીચે પટકાઈ હતી, જેમાં ૨૧ વર્ષીય યુવાન નવાઝ હનીફભાઇ સોરઠીયાનું મૃત્યુ થયું હતું.
આ ઘટના ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં બંધ પડેલી લિફ્ટના સમારકામ દરમિયાન બની હતી. નવાઝ સોરઠીયા લિફ્ટ રિપેર કરી રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટનો બોલ્ટ ખુલી ગયો હતો.
બોલ્ટ ખુલતા લિફ્ટ નીચે પટકાઈ હતી, જેના કારણે નવાઝ સોરઠીયાને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે, ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં સિટી-એ ડિવિઝન પોલીસની ટીમ જી.જી. હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

