સુરતના પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં સામસામે મારામારીમાં મામલો એટલો બિચક્યો કે એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત સામસામે લાકડાના ફટકા પણ માર્યા હતા. જોકે, આ મામલે પોલીસે ગુનો નોંધી બે લોકોની અટકાયત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસડેવામાં આવ્યા છે.
યુવકે જાહેરમાં તલવાર કાઢતા મારમારી ઉગ્ર બની પાંડેસરા વિસ્તારમાં પાલતુ શ્વાન મુદ્દે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. અગાઉ પણ બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરી એક વખત બંને પરિવારો સામસામે આવી જતા એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢી હતી.
એટલું જ નહીં અન્ય એક યુવક પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક હટી જતાં આબાદ બચાવ થયો હતો. તો બીજી તરફ લાકડાના દંડા વડે એકબીજાને ઈજા પણ પહોંચાડી હતી. સ્થાનિક લોકો વારંવાર તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે, લાકડાના ફટકા વડે એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો. જેને કારણે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા.
બંને પરિવાર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી પાંડેસાર પીઆઇ એચએમ ગઢવીએ જણાવ્યું હતું કે, બંને પરિવારો નજીવી બાબતે ઝઘડી પડ્યા હતા. વીડિયો વાઈરલ થતાં અમારી જાણમાં પણ આવ્યું હતું. ત્યાર બાદ અમે કાર્યવાહી પણ કરી છે.
બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે તેઓ અત્યારે સારવાર હેઠળ છે. શ્વાન મુદ્દે ઝઘડો થયો હતો. ગુનો દાખલ કરતા એક વ્યક્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. એક વ્યક્તિ જે સારવાર હેઠળ છે તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની પણ ધરપકડ કરવામાં આવશે.