Gujarat

ફાયર વિભાગની એક કલાકની સખત મહેનત બાદ પણ માત્ર મૃતદેહ જ મળ્યો

ભુજ શહેરના હમીરસર તળાવમાં શનિવારે મોડી રાત્રે એક દુઃખદ ઘટના બની. જૂની રાવલવાડી-નટવાસમાં રહેતા 20 વર્ષીય રુતિક ગુલામ નટ નામના યુવકે અગમ્ય કારણોસર તળાવમાં છલાંગ લગાવી દીધી. ઘટના બાદ યુવકના પિતરાઈ ભાઈએ ઘટનાસ્થળે આવીને જાણકારી આપી કે તેનો ભાઈ હમીરસરમાં કૂદી ગયો છે.

આ સાંભળતાં જ ત્યાં હાજર નાગરિકોએ તુરંત ભુજની ફાયર શાખાને જાણ કરી.ફાયર વિભાગની ટીમ આધુનિક બોટ અને બચાવના સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમે પાણીમાં ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી. લગભગ એક કલાકની સખત મહેનત બાદ યુવકને બહાર કાઢવામાં સફળતા મળી, પરંતુ તે સમયે તે જીવિત ન હતો.

ભુજ એ ડિવિઝન પોલીસે યુવકના મૃતદેહને જીકે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે અપમૃત્યુના આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બચાવ કામગીરીમાં ફાયર વિભાગના ઈસ્માઈલ જત, પ્રદીપભાઈ ચાવડા, અસલમ પટ્ટણી, સોહમ ગોસ્વામી, કમલેશ મતિયા, હીરજીભાઈ ખાભલિયા, સત્યરાજસિંહ ઝાલા, ઋષિ ગોર, કરણ જોશી, ઉજવ ગોસ્વામી તથા તાલીમી સ્ટાફ સામેલ હતા. ઘટનાની જાણ થતાં હમીરસર તળાવના કિનારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા.