હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું સુરત હવે નકલી ઉત્પાદનોના હબ તરીકે પણ કુખ્યાત બની રહ્યું છે. એક પછી એક સામે આવતા કિસ્સાઓ દર્શાવે છે કે, બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાનું કૌભાંડ અહીં ફૂલીફાલી રહ્યું છે. અગાઉ પાન-મસાલા, નકલી ઘી, દવાઓ, કોસ્મેટિક્સ અને ઘડિયાળોના ડુપ્લિકેશનના કિસ્સાઓ બાદ હવે ટુ-વ્હીલરમાં વપરાતા એન્જિન ઓઇલનું નકલી કારખાનું પણ ઝડપાયું છે.
આ ઘટનાએ સુરતમાં વ્યાપી રહેલા નકલી ઉત્પાદનોના નેટવર્કની ગંભીરતા ઉજાગર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓઇલમાં અમુક અમેરિકા અને બ્રિટનની કંપનીનું એન્જિન ઓઇલ પણ સામેલ છે. જેથી પોલીસ દ્વારા અમેરિકા અને બ્રિટનમાં કંપની પ્રેઝન્ટેટરને માહિતી મોકલાવી છે.
સુરત ઝોન-1 LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા વિસ્તારમાં ડુપ્લિકેટ એન્જિન ઓઇલનું કારખાનું ચાલી રહ્યું છે. તેના આધારે પોલીસે તાત્કાલિક લસકાણાના પાસોદરા મિશન કેનાલ રોડ પર આવેલા બુલેટ ટ્રેનના બ્રિજ નજીક ક્રિસ્ટલ બંગલોઝના શેરી નંબર 2માં આવેલા 33 નંબરના મકાન પર દરોડો પાડ્યો હતો.

પોલીસે જ્યારે આ મકાનની અંદર પ્રવેશ કર્યો, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. અહીં કોઈ સામાન્ય ઘર નહીં, પરંતુ જુદી જુદી બ્રાન્ડના બાઈકના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવવાનું એક મોટું કારખાનું ધમધમતું હતું. આ કારખાનાનો માલિક નવનીત જસમતભાઈ ઠુમ્મર નામનો વ્યક્તિ હતો. જે આ જ બંગલામાં રહેતો હતો અને છેલ્લા આઠ વર્ષથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો હતો.