Gujarat

150 ધારાસભ્યોને નવા ક્વાટર્સની ફાળવણી કરી

શહેરના સેક્ટર-17માં 300 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા લક્ઝુરીયસ એમએલએ ક્વાર્ટરની આખરે ધારાસભ્યોને ફાળવણી કરવામાં આવી છે. વિધાનસભા- સચિવાલય દ્વારા 150 ધારાસભ્યોને ક્વાર્ટર ફાળવણીનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્યોના ક્વાર્ટરમાં ચાલતી અનિચ્છનિય પ્રવૃત્તિઓ અને અન્ય લોકો રહેતા હોવાનું બહાર આવતાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા નવા સદસ્ય નિવાસ માટે નવા નિયમો ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ નિયમો જાહેર કરવામાં આવશે. ક્વાર્ટરની ફાળવણી વખતે જ નવા નિયમો બંધનકર્તા રહેશે તેની સૂચના પણ આપી દેવામાં આવી છે.

વિધાનસભાની સદસ્ય નિવાસ કમિટીની બેઠકમાં કમિટીના અધ્યક્ષ, સભ્યો, વિધાનસભાના સચિવ અને માર્ગ- મકાન વિભાગના સચિવની ઉપસ્થિતિમાં ધારાસભ્યોને રેન્ડમ બેલેટ પદ્ધતિથી ક્વાર્ટરની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જે મુજબ 1 મહિલા ધારાસભ્યોનું જૂથ મળી કુલ 9 જૂથોને 9 બ્લોકના મકાન રેન્ડમ બેલેટીંગ પદ્ધતિથી ફાળવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બ્લોક નં. 6ના તમામ ક્વાર્ટર 11 મહિલા ધારાસભ્યોને ફાળવવામાં આવ્યા છે. આ બ્લોકમાં એકપણ પુરૂષ ધારાસભ્યોને ક્વાર્ટર અપાયું નથી.