ગરવાગઢ ગિરનારની 5000 પગથિયાંવાળી ગગનચુંબી ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ આગામી 3 જાન્યુઆરી, શનિવારના રોજ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવશે. શાસ્ત્રોક્ત મતે પોષી પૂનમ એટલે માં અંબાનો જન્મદિવસ, જેને લઈને ગિરનાર પર્વત પર ભક્તિમય માહોલ જામશે.
ગિરનારના પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો માઈભક્તોની હાજરીમાં વિશેષ ધાર્મિક વિધિઓ યોજાશે. આ ઉત્સવ વહેલી સવારના 07:00 વાગ્યાથી શરૂ થઈ બપોરના 02:00 વાગ્યા સુધી ચાલશે, જેમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડશે.

માતાજીને સોળ શૃંગાર મહોત્સવના પ્રારંભે માતાજીને ગંગાજળ અને દૂધથી પવિત્ર અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ શ્રીસૂક્તના પાઠ અને વિશ્વ કલ્યાણના અર્થે હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે માતાજીને સોળ શૃંગાર સજી વિશેષ અલૌકિક રૂપમાં દર્શન કરાવવામાં આવશે.
ધજા, ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદની વ્યવસ્થા શુભ મુહૂર્તમાં મંદિરના શિખર પર નૂતન ધજા ચડાવવામાં આવશે. બપોરે માતાજીની ભવ્ય મહાઆરતી બાદ થાળ ધરવામાં આવશે અને ત્યારબાદ પધારેલા તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

