જામનગર નજીક ગોરધનપર વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઇક પર જઈ રહેલા વૃદ્ધ દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જે બાદ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
ગોરધનપર પેટ્રોલ પંપ પાસે GJ 19 BN 2584 નંબરની મોટરસાઇકલ પર દંપતી જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા.

અકસ્માતની ગંભીરતા એટલી હતી કે, મોટરસાઇકલ રોડ પર પડી ગઈ હતી. તેમજ વૃદ્ધ મહિલા રોડ પર પટકાતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ તરત જ 108ને જાણ કરી હતી. ઘાયલ વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

