સરખેજમાં રહેતી એક સગીરાનું પાડોશીએ લગ્નની લાલચે અપહરણ કર્યુ હતું. સગીરાના માતા-પિતા ચારધામ ગયા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે આ મામલો સામે આવતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાડોશી દંપતી અને તેના સંબંધીઓએ રાજસ્થાનના યુવક સાથે સગીરાના લગ્ન કરાવી લીધા હોવાનું જાણ થઈ હતી.
પોલીસે પાડોશી મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. લગ્ન કરાવવા માટે આરોપીઓએ નાણાં લીધા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે બનાસકાંઠા બાજુથી સગીરાને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી છે.
સરખજેમાં રહેતી સગીરા તેની માતાને બહાર જઇને આવું છું તેમ કહીને નીકળી ગઇ હતી. લાંબા સમય સુધી તે પરત ન આવતા તેના માતા-પિતાએ શોધખોળ હાથ ધરી છતાંય તે મળી આવી નહોતી. માતા-પિતા ચારધામની યાત્રાથી પરત આવ્યા ત્યારે પાડોશમાં રહેતા વનરાજ અને પત્ની ટીના ગાયબ હતા.
જેથી મહિલાને શંકા જતા તપાસ કરી તો વનરાજ અને ટીના સગીરાને લઇને બનાસકાંઠા તરફ ગયા હતા અને રાજસ્થાનના છોકરા સાથે લગ્ન કરાવી દીધા હતા. આ મામલે સરખેજ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોધી હતી.
સરખેજ પોલીસે આરોપી ભરતજી ઉર્ફે ગોવિંદજી ઠાકોર, ભારતીબેન ઠાકોર અને ટીનાબેન ઠાકોરની ધરપકડ કરી છે.
આરોપી પૈકી ટીનાનો ભાઇ ભરતસિંહ તથા દિયર મેધો અને તેની પત્ની હિના સગીરાને લલચાવીને લગ્ન કરાવવાના ઇરાદે ઇકો ગાડીમાં અપહરણ કરી લઇ ગયા હતા. જોકે આ ગુનાના વનરાજ રાઠોડ, મેઘરજ રાઠોડ, હિના રાઠોડ અને વીરસિંહ રાઠોડ ફરાર છે જેની તપાસ ચાલી રહી છે.

