Gujarat

ઓછી વિઝિબિલિટી તથા એપિલેપ્સીની તકલીફ ધરાવતાં આર્યન પટેલે મ્યુઝિક ક્ષેત્રે ટોપર બની ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

ધૈર્ય અને દ્ઢ મનોબળ સાથે મનોવાંછિત સિદ્ધિ હાંસલ કરી આર્યન પટેલે સમાજને નોંધપાત્ર ઉદાહરણ પૂરૂ પાડ્યું
તાજેતરમાં સુરતની સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશનાં જાણીતા ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડો. પંકજ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. અત્રેનાં ઓડીટોરીયમમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં 37 અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીજી ડિપ્લોમા કોર્સનાં 1300થી વધુ વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં કુલ 37 ગોલ્ડ મેડલ પૈકી ગર્લ્સને 21 અને બોયઝને 16 મળ્યા હતાં. જેમાં ઓછી વિઝિબિલિટી તથા એપિલેપ્સીની તકલીફ સાથે મ્યુઝિકમાં ટોપર રહેલ આર્યન પટેલને પણ અન્ય ફેકલ્ટીનાં ટોપર સાથે ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ગોલ્ડ મેડલ તથા પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ઓલપાડ તાલુકાની અસનાડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં આ પ્રતિભાવંત સ્ટુડન્ટની માતા નૂતનબેન પ્રકાશચંદ્ર પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મારા દીકરાને જન્મથી વિઝિબિલિટીની તકલીફ છે. તેને જમણી આંખથી થોડું દેખાય છે પરંતુ ડાબી આંખથી બિલકુલ દેખાતું નથી. ઉપરાંત તેને ૧૨ વર્ષની ઉંમરે તેને એપિલેપ્સીની તકલીફ થઈ. આમ છતાં તે બાળપણથી જ મ્યુઝિકમાં રસ હોવાથી તેણે 12 સાયન્સ પછી શ્રી પંકજ કાપડીયા સાર્વજનિક કોલેજ ઓફ પર્ફોમિંગમાં BPA મ્યુઝિકમાં ગ્રેજ્યુએશન કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે જે મારા પરિવાર સહિત મારા સમાજ માટે ખૂબ જ ગૌરવપ્રદ બાબત છે.
આ તકે ધૈર્ય અને દ્ઢ મનોબળ સાથે મનોવાંછિત સિદ્ધિ હાંસલ કરી માવતરનું નામ રોશન કરનાર આર્યન પ્રતિ ગૌરવની લાગણી વ્યક્ત કરી સમસ્ત ઓલપાડ તાલુકાનાં શિક્ષણ આલમે અભિનંદન વરસાવ્યા હતાં.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)