જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી, મહેશ્વરી અને નૂતનનગરના રહીશોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હિન્દુ બહુમતી ધરાવતી આ સોસાયટીઓમાં અન્ય ધર્મના લોકો દ્વારા મકાન ખરીદી અટકાવવા અને વિસ્તારમાં તાત્કાલિક ‘અશાંત ધારો’ લાગુ કરવાની માગ સાથે સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં રહીશોએ રજૂઆત કરી છે કે, આ સોસાયટીઓ શ્રમિક વર્ગની છે અને સંપૂર્ણ હિન્દુ વસ્તી ધરાવે છે. જો અહીં અન્ય ધર્મના લોકો રહેવા આવશે, તો રહેણી-કહેણી અને ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં અવરોધ ઊભો થશે. રહીશોએ ભીતિ વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં ધાર્મિક લાગણી દુભાવાને કારણે અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે, જેના કારણે હિન્દુ પરિવારોએ પલાયન થવું પડશે. શ્રમિક લોકો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી મોંઘા ભાવે અન્ય જગ્યાએ મકાન લઈ શકે તેમ નથી, જેથી પરિવારની સુરક્ષાનો સવાલ ઊભો થયો છે.

