Gujarat

આતાપી સંચાલકોએ દોઢ મહિને લાઇન નાખવાનું શરૂ કર્યું પૂર્વ વિસ્તારના 60 હજાર નાગરિકને પ્રેશરથી પાણી મળશે

શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા વચ્ચે આજવાથી નિમેટા તરફ લાઈન નાખવાનું કામ ટલ્લે ચડ્યું છે.

5720 મીટર સુધીની લાઈન નાખ્યા બાદ આતાપીના સંચાલકોની આડાઈથી દોઢ મહિનાથી 80 મીટર સુધીનું કામ રોકાયું હતું.  અહેવાલ બાદ સંચાલકોએ કામ શરૂ કરાવતાં પૂર્વના 60 હજારથી વધુ લોકોને પ્રેશરથી પાણી મળશે.

આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર, વારસિયા સહિતના વિસ્તારમાં વર્ષોથી પાણી ઓછા પ્રેશરથી મળતું હોવાની ફરિયાદ ઊઠી છે.

ચાલુ વર્ષે આ સમસ્યા વધુ ગંભીર બની છે. જ્યારે આજવાથી નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણીની લાઈન નાખવાનું કામ પહેલેથી વિલંબથી ચાલી રહ્યું છે. તેવામાં આતાપી વન્ડરલેન્ડના સંચાલકોએ લાઈન નાખવા બાબતે આડાઈ કરી હતી.

કોન્ટ્રાક્ટર વેલજી રત્ના સોરઠિયા નિમેટાથી આજવા સુધી 6 હજાર મીટર સુધી લાઈન નાખવાની કામગીરીમાં 5720 મીટર સુધીનું કામ પૂર્ણ કર્યું હતું, પરંતુ 80 મીટરનું કામ દોઢ મહિનાથી અટવાયું હતું.

આતાપીમાંથી નાખવાની આ લાઈનને કારણે ત્યાં ઊભી કરાયેલી બિલ્ડિંગના ફાઉન્ડેશનને નુકસાન થશે તેમ કહી સંચાલકોએ પોતે કામગીરી કરશે તેવી ખાતરી આપી હતી.

જોકે દોઢ મહિના સુધી આતાપી સંચાલકોએ કામ શરૂ ન કરતાં પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો હતો. આખરે હવે કામગીરી આ શરૂ કરાઈ છે.

…તો પૂર્વ વિસ્તારને 1 કરોડ લિટર વધુ પાણી મળશે

હાલમાં પાણીની લાઈન નાખવાની કામગીરીના પગલે 3 લાઈન મારફતે જે પાણી મળતું હતું, તેમાં ઘટ પડી છે. જેને કારણે પૂર્વ વિસ્તારના લોકોને પાણી ઓછા પ્રેશરથી મળી રહ્યું છે.

પાલિકાએ અલગ-અલગ સ્ત્રોત વચ્ચે કરેલું ઇન્ટરલિન્કિંગ પણ કામ નથી કરી રહ્યું. તેવા કિસ્સામાં જો ઝડપથી આ લાઇનનું કામ પૂરું થાય તો પૂર્વ વિસ્તારને 1 કરોડ લિટર પાણી વધુ મળશે.

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાણીની લાઈન નાખવાનું કામ 3 વર્ષથી અટવાયું

આજવાથી 3 પાણીની લાઈન મારફતે નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી અપાતું હતું. કોન્ટ્રાક્ટર વેલજી રત્ના સોરઠિયાને ડબ્લ્યુટીપી સાથે આજવાથી નિમેટા સુધી પાણીની લાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.

જોકે 3 વર્ષથી વધુનો સમય થવા છતાં તેણે કામ પૂર્ણ કર્યુ નથી. જેને કારણે પૂર્વ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. બે-બે વખત એક્સટેન્શન લીધા બાદ પણ સમયસર કામગીરી પૂર્ણ કરી નથી.