બજાણા ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સંવનનકાળને કારણે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાર મહિના માટે બંધ રાખવામાં આવ્યા બાદ, હવે દિવાળી પહેલા તેને ખોલવામાં આવતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. આ અભયારણ્ય રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખરનું નિવાસસ્થાન છે.
હાલમાં, ટુંડી વેટલાઇન પાસેના માઉન્ટ પર હજારો પેલીકન પક્ષીઓનો જમાવડો થયો છે, જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુલાબી ઠંડકના વાતાવરણમાં પ્રવાસીઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં કુલ 27 જેટલા વિવિધ અભયારણ્યો આવેલા છે, જેમાં 4954 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ઘૂડખર અભયારણ્ય પણ સામેલ છે. તેને સને 1973માં ઘૂડખરના સંરક્ષણ માટે રક્ષિત કરવામાં આવ્યું હતું. અહીં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા 7672 જેટલા ઘૂડખરો વસવાટ કરે છે.
ઘૂડખર પ્રાણીના સંવનનકાળ દરમિયાન તેમને ખલેલ ન પહોંચે તે માટે દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાતને કારણે ગીર અભયારણ્ય વહેલું ખુલ્લું મુકાયું હતું, જ્યારે બજાણા ઘૂડખર અભયારણ્ય સહિત ગુજરાતના અન્ય તમામ અભયારણ્યો 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. અભયારણ્ય વિભાગના અધિકારીઓ આગામી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો રહેવાની આશા રાખી રહ્યા છે.