Gujarat

સાવરકુંડલા મમતાઘર બાલકેન્દ્ર પર બાલકેન્દ્રી આનંદ ઉત્સવ યોજાયો બાળવાર્તા, ગીત, જ્ઞાનક્વિઝ,ની મસ્તી ભરી ધમાલ

વાસુદેવ સોઢા , પરેશ મહેતા, સુધીરભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિ
નાની એવી બાલિકા આરુહી  બોરીસાગરે એની કાલીઘેલી ભાષામાં વાર્તા કરી ઉપસ્થિત તમામના આકર્ષણનું કેન્દ્ર બની.
આમ ગણો તો બાળક સાથે બાળક થવાનો અનોખો લ્હાવો લેવાનો આ કાર્યક્રમ શહેરભરમાં પ્રશંસાનું કેન્દ્ર બન્યો.. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવા કાર્યક્રમો બાળમાનસ માટે હિલ સ્ટેશનની મુલાકાતથી જરા પણ કમ નથી.
 
સાવરકુંડલા શહેરના ઉત્સાહી શિક્ષક મનીષભાઈ વિંઝુડાએ પણ ગમ્મત સાથે જ્ઞાન પિરસી આ બાળ પરિષદને ચાર ચાંદ લગાવી દીધા.
સાવર કુંડલા ખાતે શ્રી મંજુલાબેન દુધરેજીયાની દેખરેખમાં ચાલતા બાળ કેન્દ્ર મમતા ઘરમાં
તા..૧૫/૦૪/૨૦૨૫ ના રોજ ગ્રીષ્મ સંધ્યાએ બાળકોની જ્ઞાન સાથે ગમ્મત અને આપણા મૂળ વારસા સાથે જોડી રાખતી બાળવાર્તા, ગીત નૃત્ય  પ્રસ્તુતિ , નાના ભૂલકાંઓની ધમાલ મસ્તી સાથે બાળ આનંદ કેન્દ્રી કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે  ખાસ ઉપસ્થિત અમરેલી પંથકના જાણીતા બાળ વાર્તાકાર વાસુદેવ સોઢાએ એમની આગવી શૈલીમાં વાર્તાઓ રજૂ કરી હતી.  નાની એવી બાલિકા આરુહી બોરીસાગરે પણ એની કાલીઘેલી બોલીમાં વાર્તા કરી સહુના દિલ જીતી લીધા હતા..વિશેષ ઉપસ્થિત પરેશ મહેતા ( સંવાદ , અમરેલી )એ આ બાલ વિનોદમાં સામેલ થઈ આવી સરસ પ્રવૃતિ માટે અભિનંદન પાઠવ્યા હતા. સ્થાનિક લેખક, નિવૃત શિક્ષક સુધીરભાઈ મહેતા બાળકો સાથે નાચ ગાન કરતા બાળ ગીત રજૂ કરી રંગત જમાવી દીધી હતી. આ તકે હાજર સ્થાનિક ભાવક દક્ષાબેન વેગડા ( આઈ.સી.ડી. એસ. ) એ ભાવવિભોર થઈ રાજીપો વ્યક્ત કર્યો હતો.
સમગ્ર સંકલન અને સંચાલન  સાવર કુંડલાના સેવાભાવી , હોનહાર શિક્ષક મનીષભાઈ વિંઝુડા દ્વારા એમની આગવી શૈલીમાં જ્ઞાન ક્વિઝની રમત સાથે કરવામાં આવ્યું હતું…
કાર્યક્રમ અંતે સુધીરભાઈ મહેતા તરફથી બાળકોને ચોકલેટ અને મમતાઘર તરફથી આઈસ કેન્ડીની મોજ કરાવવામાં આવી હતી. બાળવાર્તા રજૂ કરનાર બાલિકા આરુહી  બોરીસાગરને મનીષ વિંઝુડાએ ઇનામ આપી પ્રોત્સાહિત કરી હતી.મમતા ઘરના સંચાલક  મંજુલાબેન દુધરેજીયાએ સ્વાગત..સન્માન અને આભારવિધિ કરી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા