ચૂંટણીપંચ અને ચૂંટણીતંત્રને મતદાર સાથે જોડતી મહત્વની કડી એટલે બુથ લેવલ ઓફિસર. રાજ્યમાં મોટેભાગે શિક્ષકોને મતદાન મથક કક્ષાનાં આ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે જે પોતાની સરકારી ફરજોની સાથે વખતોવખત ચૂંટણીતંત્ર દ્વારા મતદારયાદી અને ચૂંટણી વિષયક સોંપવામાં આવતી વિવિધ ફરજો નિષ્ઠાપૂર્વક બજાવે છે.
જે અંતર્ગત 169 બારડોલી વિધાનસભામાં બી.એલ.ઓ. સુપરવાઇઝર બળવંતભાઈ પટેલની કામગીરીને સમગ્ર તાલુકામાં શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી. જે બદલ તેમને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમની સાથે બાબેનનાં સરપંચ ફાલ્ગુનીબેન પટેલ પણ જોડાયા હતાં.
બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, બાબેન પ્રાથમિક શાળાનાં આચાર્ય ભાવેશભાઈ લાડ તથા સ્ટાફગણે સંગઠન ક્ષેત્રે પણ જાગૃત લીડર એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ અને બાબેન પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક એવાં બળવંતભાઈ પટેલની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.