Gujarat

ભાવનગર મેડિ. કોલેજના 3 જુનિયરનું અપહરણ કરી 8 સિનિયર્સે આખી રાત માર્યા, મારી નાખવાની ધમકી આપી, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. 6 માર્ચની મોડીરાત્રે 8 સિનિયર મેડિકલ વિદ્યાર્થીએ 3 જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી રેગિંગ કર્યું હતું.

આરોપી સિનિયર વિદ્યાર્થીઓએ ત્રણેય જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેમની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

પીડિત જુનિયર ડોક્ટરોએ સિનિયર્સ ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ, ડો. મિલન કાક્લોતર, ડો. નરેશ ચૌધરી, ડો મન પટેલ, ડો. પીયૂષ ચૌહાણ અને બે અજાણ્યા ઈસમો જેડી અને કાનો દ્વારા રેગિંગ કરી ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

ત્રણેય પીડિત વિદ્યાર્થીને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા ગંભીર ઈજાઓને કારણે ત્રણેય પીડિત વિદ્યાર્થીઓને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિત વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના ડીનને લેખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે, જોકે હાલમાં પોલીસ હોસ્પિટલ પહોંચી છે અને અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ મેડિકલ કોલેજના વાતાવરણમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. રેગિંગ જેવી ગંભીર સમસ્યા સામે કડક પગલાં લેવાની માગ ઊઠી છે.

પીડિત ડોક્ટર રમન જોષીએ જણાવ્યું હતું કે એ લોકો રાત્રે 2 વાગ્યાની આસપાસ આવ્યા અને મને ખેંચીને તેમના રૂમમાં લઈ ગયા. ત્યાં પહેલાંથી જ તેમના બે મિત્રો હતા. પછી મને લાફા મારવાનું શરૂ કર્યું. મારાં ચશ્માં પાડી નાખ્યાં અને સતત મારવાનું શરૂ કર્યું.

ત્યાર બાદ અન્ય એક સિનિયર ડોક્ટર આવ્યા અને મને ઊભો કરીને માર માર્યો અને ગાળો બોલવા લાગ્યા. મને કૂકડો બનવીને નીચે બેસાડી દીધો. તે બધા મનફાવે તેમ અમને મારતા હતા અને ધમકીઓ આપી કે ભાવનગરમાં જ્યાં પણ દેખાયો ત્યાં મારવા લઈશ.