કઠપૂતળીઓએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ, જાહેર માર્ગો કરાયા ચોખ્ખાચણાંક
રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા “સ્વચ્છ ભારત મિશન અર્બન – ગુજરાત” અંતર્ગત “નિર્મળ ગુજરાત – ૨.૦” હેઠળ સ્વચ્છતા વિષયક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભાયાવદર શહેરની વિવિધ શાળાઓ અને જાહેર સ્થળોએ પપેટ શો યોજવામાં આવ્યા હતાં. જેમાં કઠપૂતળીઓના પરંપરાગત માધ્યમ થકી શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ‘સ્વચ્છ શહેર, સુંદર શહેર’ના સૂત્રને સાકાર કરવા તમામ જાહેર માર્ગો પર ઝાડી-ઝાંખરા અને કચરાનો નિકાલ કરીને રસ્તાઓને ચોખ્ખાચણાંક કરવામાં આવ્યાં હતાં. આ સાફસફાઈ ઝૂંબેશ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્યોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આમ, ભાયાવદર નગરપાલિકા દ્વારા જનતાના સ્વભાવમાં સ્વચ્છતા કેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.