સુરેન્દ્રનગરથી મૂળી તરફ જતા આવતા સરદારસિંહ રાણા પુલ પર ઠેરઠેર નાના મોટા ગાબડા પડી ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. આથી માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડા રિપેર કરવાનું કામ હાથ ધરાતા લોકોને સમસ્યા હલ થવાની આશા છે.
સુરેન્દ્રનગરના શહેર મધ્યે આવેલ સરદારસિંહજી રાણા પુલ પરથી ધ્રાંગધ્રાથી મૂળી તરફ અને મૂળીથી ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર અને વઢવાણ તરફ અનેક વાહનો પસાર થાય છે. ત્યારે આ અંગ્રેજોના સમયમાં બનાવાયેલા રાજકોટ હાઇવે સાથે જોડતો પુલ જે મોરબીના પુલ તરીકે પણ ઓળખાય છે. જેનું બાદમાં ક્રાંતિકારી સરદારસિંહ રાણાના નામે નામકરણ કરાયું છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી ઠેરઠેર બિસમાર બની જવા સાથે નાનામોટા ખાડાઓ અને ગાબડા પડી ગયા હતા. આથી અહીંથી પસાર થતા વાહનચાલકોને પરેશાની થઇ રહી હતી. જ્યારે અહીંથી ભારે વાહનો પણ પસાર થતા હોવાથી અકસ્માતનો પણ ભય રહેતો હતો. જેને પાકુ રિપેરીંગ કામ કરવાની માગ કરાઇ હતી.
ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેક્સન સર્કલથી ટાવર સુધીનો સરદારસિંહ રાણા પુલ પર થઇ પસાર થતો બિસમાર રસ્તો નવો ડામર રોડ બનાવવામાં આવ્યો છે. જેમાં દિવસ દરમિયાન ટ્રાફિક જામ ના થાય એ હેતુથી રાત્રિ દરમિયાન આ કામગીરી કરવામાં આવી હતી.

