Gujarat

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 3 થી 5 નાં પર્યાવરણ અને ગણિત વિષયની દ્રિદિવસીય તાલીમ યોજાઇ 

સાંપ્રત સમયમાં શિક્ષક નવીન પ્રવાહો અને ટેકનોલોજીનાં જાણકાર બને, આ ટેકનોલોજી દ્વારા બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય અને તેનો વર્ગખંડમાં સમૂચિત ઉપયોગ કરતાં શિક્ષક શીખે તે જરૂરી છે. જીસીઇઆરટી દ્વારા આ મુદ્દાઓને ધ્યાને લઇ શિક્ષકની તાલીમ જરૂરિયાત, વિવિધ સંશોધનોનાં તારણો તેમજ એકમ અને સત્રાંત પરીક્ષાઓનાં પરિણામનાં આધારે સમગ્ર રાજયનાં શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ધોરણ-3 થી 5 નાં પર્યાવરણ અને ગણિત વિષયની દ્રિદિવસીય તાલીમ અત્રેની ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી.
 
સદર તાલીમ વર્ગમાં પર્યાવરણ અને ગણિત આધારિત અધ્યયન નિષ્પત્તિઓની સમજ, વિષયવસ્તુનું નાટયીકરણ, અભિનય, પ્રોજેક્ટ વર્ક, જેવી વિવિધ પ્રવૃત્તિઓ તજજ્ઞ એવાં પરેશ પટેલ (કીમ), કવિતા પટેલ (સાયણ), વીણા પટેલ (ઓરમા), ચેતના પટેલ (મુળદ), શકુંતલા પટેલ (ઓલપાડમુખ્ય), ધનસુખ આહિર (અંભેટા), સંદિપ પટેલ (પારડીભાદોલી), દિનેશ પટેલ (અછારણ), જાગૃતિ પટેલ (અસ્નાબાદ), હિતેશ પટેલ (સમૂહ વસાહત) તથા કીર્તિ પંચાલ (દેલાડ) દ્વારા સુનિયોજિત રીતે હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ તાલીમાર્થી શિક્ષક ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતાં.
તાલીમનાં અંતિમ દિવસે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પર્યાવરણીય અને ગાણિતિક બાબતો પર પ્રકાશ પાડી તાલીમાર્થીઓ સાથે પરસ્પર ચર્ચા હાથ ધરી હતી. પર્યાવરણ અને ગણિતનાં તાલીમવર્ગનું સંચાલન અનુક્રમે સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલા તથા પિંજરતનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.