આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ થી વધુ ઉંમરના તમામ નાગરિકોની નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી કરાશે
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ ૨૦ મી ફેબ્રુઆરી-૨૦૨૫ થી ૩૧ મી માર્ચ-૨૦૨૫ સુધી બ્લડ પ્રેશર (બી.પી) અને ડાયાબીટીસ (સુગર)ના દર્દીઓની મેગા નોંધણી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
એન.પી-એન.સી.ડી. પ્રોગ્રામ અંતર્ગત બિન-ચેપી રોગોના સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે, જેનો લાભ દરેક ૩૦ + ઉંમરના નાગરિકો લઈ શકશે.
આ ઝુંબેશ હેઠળ વિના મુલ્યે બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન કરવા સહિત દવા ઉપલબ્ધતા તેમજ ઘરે-ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવશો?
તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર (સબ-સેન્ટર, મા.આ કેન્દ્ર) ખાતે નોંધણી કરાવી શકો છો. આશા વર્કર, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે-ઘરે આવી નોંધણી કરશે. આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે.
૩૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં બે વાર બી.પી અને ડાયાબીટીસની ચકાસણી કરાવવી જરૂરી છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જેના માટે સરકારશ્રી દ્વારા દવાઓની સતત ઉપલબ્ધિ માટે નોંધણી કરાવવી જરૂરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

