Gujarat

જામનગરમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી

જામનગર કલેકટર કચેરી ખાતે ‘વંદે માતરમ’ના 150મા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આહ્વાનથી યોજાયેલા આ કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે ‘વંદે માતરમ’નું ગાન કર્યું હતું અને ‘સ્વદેશી’ના શપથ લીધા હતા.

વર્ષ 1875માં રચાયેલું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ દેશવાસીઓમાં રાષ્ટ્રચેતના પ્રગટાવવામાં અને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધવામાં મહત્વપૂર્ણ રહ્યું છે. 7મી નવેમ્બર, 2025ના રોજ તેને 150 વર્ષ પૂર્ણ થશે, જેની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ ઐતિહાસિક ઉજવણીની સાથે, દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને મજબૂત કરવા માટે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને માત્ર ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાના શપથ લીધા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, શહેર પ્રાંત અધિકારી અદિતિ વાર્ષને, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, જિલ્લા પુરવઠા અધિકારી સુધીર બારડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.