Gujarat

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી

ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા 10 જેટલા પોલીસકર્મીઓને અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી લાંચખોરોને ઝબ્બે કરાવનારા 4 હિંમતવાન નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ વકતૃત્વ અને નિબંધ સ્પર્ધામાં વિજેતા 12 વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા.

‘ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું કરવું જ નહીં’ મુખ્યમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે, “હક્ક બહારનું લેવાય જ નહીં એ આપણી સંસ્કૃતિનો સંસ્કાર છે”. તેમણે ઉમેર્યું કે, જે કાર્ય કરીએ તેનાથી આત્મસંતોષ મળે તે જ સાચી ફરજનિષ્ઠા છે. એસીબીની છાપ એવી ઉભી થવી જોઈએ કે ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું કરવું જ નહીં, એમ તેમણે જણાવ્યું.

વિકસિત ગુજરાત માટે ભ્રષ્ટાચાર મુક્ત શાસન જરૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રનો ઉલ્લેખ કરતાં CMએ કહ્યું કે વિકસિત ગુજરાત માટે ભ્રષ્ટાચાર મુક્ત શાસન જરૂરી છે. ઝીરો-ટોલરન્સની ભાવનાથી ACB વધુ સખત અને સતર્ક બની રહે તે જરૂરી હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું.

ફરજિયાત રિટાયરમેન્ટના ઐતિહાસિક આંકડા CMના આક્રમક અભિગમનો પુરાવો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, એસીબીએ માત્ર નાના કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓ સામે પણ કડક પગલાં લીધા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 34 ક્લાસ-1 અને 98 ક્લાસ-2 અધિકારીઓ સામે ટ્રેપ ગોઠવી કેસો નોંધાયા, જ્યારે આ વર્ષે 194 કેસમાં 277 આરોપીઓની ધરપકડ થઈ છે. ફરજિયાત રિટાયરમેન્ટના ઐતિહાસિક આંકડા મુખ્યમંત્રીના આક્રમક અભિગમનો પુરાવો છે, એમ તેમણે ઉમેર્યું.