Gujarat

ચાણક્ય કપ: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત નવસારી-વલસાડ પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ઝોન કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચીખલી ખાતે યોજાઈ

ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લો ચેમ્પિયન જ્યારે નવસારી જિલ્લો રનર્સ અપ રહ્યો
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા રાજ્ય કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. સદર ટુર્નામેન્ટ સમગ્ર રાજયમાં કુલ-૪ ઝોનમાં રમાશે. જે અંતર્ગત ચીખલીનાં સાદકપોર સ્થિત સંજય ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજરોજ ઝોન કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ઝોનનાં નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ તથા વડોદરાની ટીમે ભાગ સહર્ષ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત નવસારીનાં સદસ્ય રમીલા પટેલ, સેજલ પટેલ તાલુકા પંચાયત ચીખલીનાં પ્રમુખ રાકેશ પટેલ તથા નવસારીનાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નવીન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે દીપ પ્રજ્વલન અને સ્વાગતવિધિ બાદ સમારોહનાં અધ્યક્ષ એવાં નવસારી જિલ્લા પંચાયતનાં પ્રમુખ પરેશ દેસાઈએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું ક્રિકેટ આબાલવૃદ્ધોનાં સર્વાંગી વિકાસમાં ફાળો આપે છે. તે એકાગ્રતા, શિસ્ત, સમય વ્યવસ્થાપન તથા જવાબદારીનાં મૂલ્યો સ્થાપિત કરે છે ત્યારે બાળ માનસમાં આ સર્વે ગુણો અંકિત કરવા સાથે તેમનાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવા સદર ટુર્નામેન્ટ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. તેમણે આ ઉમદા આયોજન બદલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સરાહના કરી હતી. કન્વીનરો દ્રારા ટુર્નામેન્ટ અંગેની પ્રાથમિક માહિતી પ્રદાન થયા બાદ ઉપસ્થિત મહાનુભવોએ ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.
ટુર્નામેન્ટનાં કન્વીનર અને નવસારી પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિલીપ પટેલ તથા સહ કન્વીનર અને વલસાડ પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી એવાં રાજેશ પટેલ સહિત હોદ્દેદારોનાં સુંદર વ્યવસ્થાપન હેઠળ આરંભાયેલ આ ટુર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ પ્રથમ સેમી ફાઇનલ સુરત અને નવસારી જિલ્લા વચ્ચે યોજાઈ હતી, જેમાં નવસારી જિલ્લાની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી સેમી ફાઇનલ અને વડોદરા અને વલસાડ જિલ્લા વચ્ચે યોજાઈ હતી, જેમાં વલસાડ જિલ્લાની ટીમ વિજેતા બની હતી. અંતમાં ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો નવસારી અને વલસાડ જિલ્લા વચ્ચે યોજાયો હતો. જેમાં વલસાડની ટીમે નિર્ધારિત 12 ઓવર પૈકી 11.5 ઓવરમાં 10 વિકેટે 83 રન કર્યા હતાં. આ ટાર્ગેટનો પીછો કરતાં નવસારીની ટીમ 12 ઓવરમાં 54 રન બનાવી સમેટાઇ ગઈ હતી. આમ સદર ફાઈનલ મેચ ટીમ વલસાડ 29 રને જીતીને રાજ્યનાં ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનની ચેમ્પિયન ટીમ બની હતી.
સદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આરંભથી અંત સુધી ઉપસ્થિત રહેલાં મહાનુભવો એવાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી જૈમિન પટેલ, કાર્યાધ્યક્ષ ગોકુળ પટેલ, સુરત, તાપી, ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અનુક્રમે કિરીટ પટેલ, સુધાકર ગામીત, સુરેન્દ્ર ગાંવિત સહિતનાં હોદ્દેદારોનાં હસ્તે સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે ઘોષિત થયેલ મિતેશ પટેલ, મેન ઓફ ધ મેચ ઉદય પટેલ તથા બેસ્ટ બોલર અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ઘોષિત થયેલ કલ્પેશ ઐયરને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સાથે ચેમ્પિયન તથા રનર્સ અપ ટીમે હર્ષોલ્લાસથી સંગઠનનાં મહાનુભવોનાં હસ્તે ટ્રોફી સ્વીકારી હતી. સમગ્ર દક્ષિણ ઝોનનાં કન્વીનર એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ પાસેથી મળતી માહિતી મુજબ આગામી રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ ઓલપાડ તાલુકાની તાપ્તીવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2જી માર્ચનાં રોજ યોજાશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.