Gujarat

112 મેડિકલ સ્ટોર્સમાં પોલીસ અને ડ્રગ ઇન્સ્પેક્ટરની 38 ટીમો દ્વારા ચેકિંગ

ગુજરાત રાજ્યમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓના વેચાણને રોકવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગરના આદેશથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જિલ્લામાં સ્થાનિક પોલીસ, એસ.ઓ.જી. અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની 38 ટીમો બનાવવામાં આવી છે.

આ ટીમોએ પંચમહાલ જિલ્લાના 112 મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગની કામગીરી હાથ ધરી છે. આ વિશેષ ઝુંબેશનો મુખ્ય હેતુ મેડિકલ સ્ટોર્સના માલિકો અને સંચાલકો દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું થતું વેચાણ અટકાવવાનો છે.

પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ કરનારા મેડિકલ સ્ટોર્સના માલિકો અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાન રાજ્યવ્યાપી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવાનો છે.