શહેર કોટડામાં પોલીસે ગૌવંશ પશુઓની ગેરકાયદે હેરાફેરી કરવા અને ક્રૂરતાપૂર્વક કતલ કરનારા ૭ આરોપીને ઝડપી પાડ્યા
ગેરકાયદેસર કામગીરી સામે કડક કામગીરી કરતી અમદાવાદ પોલીસની વધુ એક સરાહનીય કામગીરી જાેવા મળી હતી જેમાં શહેર કોટડામાં પોલીસની ટીમે ગૌવંશ પશુઓની ગેરકાયદે હેરાફેરી કરવા અને ક્રૂરતાપૂર્વક કતલ કરનારા ૭ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે કુલ રૂપિયા ૩,૯૩,૩૪૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં જીવતો અને કતલ કરાયેલો ગૌવંશ, છ વાહનો અને રોકડ રકમનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવાના કાયદાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, શનિવારે (૬ ડિસેમ્બર) વહેલી સવારે આશરે ૦૩.૧૫ કલાકે પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે માઘુભાઇ મીલ કમ્પાઉન્ડમાં આવેલ મહેબુબભાઈ શેખની ઓરડી ખાતે કેટલાક શખસો સક્રિય છે. આ શખસો જીવતા પશુઓની ગેરકાયદે હેરાફેરી કરી, તેમને પાણી કે ઘાસચારો આપ્યા વિના અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને, કતલ કરી માંસનું વેચાણ કરી રહ્યા હતા. બાતમીને પગલે, પોલીસે તાત્કાલિક અન્ય પોલીસકર્મીઓની મદદ લઈને ચોક્કસ સ્થળે દરોડો પાડ્યો હતો.
બાતમી ના આધારે જ્યારે પોલીસે ઓરડીની બહાર તપાસ હાથ ધરી, ત્યારે એક જીવતો બળદ અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલો મળી આવ્યો હતો. ઓરડીની અંદરના દ્રશ્યો વધુ ભયાનક હતા, જ્યાં ગળેથી કાપીને કતલ કરાયેલો બીજાે એક બળદ મળી આવ્યો હતો, જેના પગ પણ દોરી વડે ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. દરોડા સમયે સ્થળ પર હાજર પાંચ શખસો પૈકીના બે ઈસમો પાસે છરાઓ હતા, જે તેમણે પોલીસને જાેતા જમીન પર ફેંકી દીધા હતા.
આ મામલે પોલીસ દ્વારા કરાયેલી ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એ વાત સામે આવી કે આરોપી એજાઝ હુસેન અલીહુસેન પીરમોહમંદ શેખે આ ગુનાઈત પ્રવૃત્તિ માટે ઓરડી ભાડે રાખી હતી. આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ખેડૂત પાસેથી ખેતી કરવાના બહાને બળદો ખરીદીને લાવ્યા હતા. એક બળદ વીજાપુરના લાડોલ ગામથી અને બીજાે પાટણથી લાવવામાં આવ્યો હતો. આ
પશુઓને ડ્રાઇવર રાકેશભાઇની બોલેરો ડાલામાં ભરીને અહીં લાવવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓ તેમજ ફરાર આરોપી અમીનભાઇ કુરેશી દ્વારા માત્ર આર્થિક ફાયદા માટે એકબીજાની મદદગારીથી આ ગુનો આચરવામાં આવ્યો હતો. વધુમાં, અમીનભાઇ કુરેશીએ ‘દાવત‘ માટે માંસનો જથ્થો મંગાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ઝડપાયેલા આરોપીઓના નામ:-
• ફકરૂદીન ઉર્ફે ભોલા કમરૂદીન પઠાણ
• આસીફ અજીજભાઈ શેખ
• મોહમંદ ઇકબાલ હાસમભાઇ કુરેશી
• સાકીરભાઈ સોહિદબક્ષ આમદહુસેન શેખ
• એજાઝ હુસેન અલીહુસેન પીરમોહમંદ શેખ
• ફૈસલ મોહમંદ જમીલભાઇ શેખ
• અજય રમેશભાઈ સોમાભાઈ પટણી (પાપડીયાવાળા)

