Gujarat

દશામાની વિસર્જિત મૂર્તિઓનો યોગ્ય નિકાલ નહીં, કોંગ્રેસનો આક્ષેપ

પાટણ શહેરની પવિત્ર સરસ્વતી નદીના કાંઠે આનદેશ્વર મહાદેવ મંદિર નજીક પાટણ નગરપાલિકા દ્વારા બનાવેલા વિસર્જન કુંડમાં દશામાની વિસર્જિત મૂર્તિઓનો યોગ્ય નિકાલ ન થવાને કારણે વિવાદ સર્જાયો છે. પાટણ કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરોએ સ્થળની મુલાકાત લેતા આ ગંભીર બેદરકારી સામે આવી છે.

કોંગ્રેસના શહેર પ્રમુખ દીપક પટેલ અને કોર્પોરેટર ભરત ભાટિયા સહિત અન્ય આગેવાનો દ્વારા કુંડની તપાસ કરવામાં આવતા, શ્રી દશામાની વિસર્જિત મૂર્તિઓ ગંદા પાણીમાં પડતર હાલતમાં જોવા મળી હતી. આ મૂર્તિઓનો નિકાલ ન થતાં તે અત્યંત દયનીય સ્થિતિમાં છે.

એટલું જ નહીં, કેટલીક મૂર્તિઓ તો વિસર્જન કરવાને બદલે સીધી સરસ્વતી નદીમાં જ મૂકી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઘટનાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક પટેલે આ અંગે તાત્કાલિક પગલાં ભરવાની માગણી કરી છે.

તેમણે જણાવ્યું છે કે પાટણ નગરપાલિકા દ્વારા આ મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ થવો જોઈએ. આ મૂર્તિઓને સરસ્વતી નદીના કિનારે ખાડો કરી તેમાં વિધિવત રીતે મૂકી દેવામાં આવે, જેથી પવિત્રતા જળવાઈ રહે.