થાનગઢ પોલીસ દ્વારા દારૂ અંગે બાતમી મળતા તપાસ હાથ ધરાઇ હતી. ત્યારે રૂપાવટી રોડ પર મકાનમાં તપાસ કરતા છાપરામાં તાડપત્રીની આડમાં છૂપાવેલો દેશી દારૂ ઝડપાયો હતો. થાગઢમાં વધતી દેશી તથા વિદેશી દારૂની બદીને નાબૂદ કરવાની સૂચનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન મળેલી બાતમીના આધારે થાનમાં પોસ વિસ્તાર જે રૂપાવટી રોડ ગણાય છે ત્યાં મેઈન રોડ ઉપર જ મકાનની અંદર ઘણા સમયથી દેશી દારૂ વેચાઈ રહ્યો હતો જેની ફરિયાદ ઊઠી હતી. ત્યારે ગુરૂવારે થાનગઢ પોલીસ પીઆઇ વી.કે. ખાંટ, પીએસઆઇ જે.એચ. કચોટ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો.
ત્યાં ઘરની અંદર રહેતા મહિલા ભાવનાબેન ભૂપતભાઈ મકવાણા ઘરે મળી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે અમારા ઘરમાં કંઈ છે નહીં ત્યારબાદ એક કલાકથી પણ વધારે સમય સુધી ઘરે ચેકિંગ કર્યું હતું.
પોલીસે પૂરેપૂરું ઘર ચેકિંગ કરતા ઘર ઉપર બનાવેલા છાપરાની અંદર તાડપત્રી ઢાંકી હતી તેને નીચેથી 100થી પણ વધારે દેશી દારૂ મળી આવ્યો અને ઘટના સ્થળ ઉપર જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ રેડમાં કોન્સ્ટેબલ સહદેવસિંહ રાણા, વસતુરભા ગઢવી સહિતના હાજર રહ્યા હતા. પીજીવીસીએલને સાથે રાખીને લાઈટનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું. વી.કે. ખાંટે જણાવ્યું હતું કે તેમનું જે બાંધકામ છે એ કાયદેસર છે કે ગેરકાયદે છે તેની તપાસ કરીને આગળ કાર્યવાહી કરાશે.

