Gujarat

સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજ પર ફોટોસેશન માટે ભીડ

જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજ પર પ્રથમ દિવસે જ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. રોશનીથી ઝગમગતા બ્રિજ પર લોકો ફોટોસેશન અને રીલ બનાવવા ઊમટી પડતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસતંત્રએ અઢી કલાક માથામણ કરીને માંડ માંડ ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને થોડીવાર માટે પોલીસને બ્રિજ બંધ કરવો પડયો હતો. મનપા દ્વારા બ્રિજ પર મનમોહી લેતો રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે, જેને ત્રણ દિવસ સુધી રાખવામાં આવશે.

સાત રસ્તા સર્કલથી લઈને સુભાષબ્રિજ વાહનોની કતારો જામનગરમાં રૂપિયા 226 કરોડના ખર્ચે ઓગસ્ટ 2021થી નિર્માણાધીન સૌરાષ્ટ્રના સૌથી લાંબા 3.5 કિલોમીટરના ફ્લાયઓવરનું ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. ગઇકાલે બપોરે બ્રિજને ખુલ્લો મુકાતાં સાંજે શહેરીજનો પોતાના પરિવારના વડીલો અને બાળકો સાથે ટૂ-વ્હીલર તથા ફોર-વ્હીલરમાં બ્રિજ પરની સવારી કરવા નીકળી પડ્યા હતા. રાત્રિના 9.30 વાગ્યા બાદ સાત રસ્તા સર્કલથી લઈને સુભાષબ્રિજ સુધીના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

લોકોએ રીલ બનાવી નવા બ્રિજનો નજારો નિહાળ્યો મહાનગરપાલિકા દ્વારા નવા બ્રિજ પર ત્રણ દિવસ માટે લાઇટિંગનો નજારો યથાવત્ રાખવામાં આવ્યો હોવાથી એનો લાભ લેવા અને રીલ બનાવવા માટે અનેક વાહનચાલકો આવ્યા હતા. હજારોની સંખ્યામાં વાહનચાલકોએ પ્રથમ દિવસે જ પોતાના મોબાઈલ ફોનમાં રીલ બનાવી અને નવા બ્રિજનો નજારો નિહાળ્યો હતો.

પોલીસે સતત અઢી કલાક સુધી મથામણ કરી બીજી તરફ શહેરીજનોનો આ ઉત્સાહ પોલીસતંત્ર માટે પડકારરૂપ બન્યો હતો. સાત રસ્તા અને એની આસપાસના વિસ્તારોમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા, જ્યારે સુભાષબ્રિજ ઉપર પણ ભારે ચક્કાજામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિકને પૂર્વવત્ બનાવવા માટે પોલીસતંત્રને સતત અઢી કલાક સુધી મથામણ કરવી પડી હતી.