બારડોલીના કડોદ ગામના એક પટેલ પરિવાર માટે નેપાળનો પ્રવાસ અત્યંત દુ:ખદ સાબિત થયો
નેપાળના મનાંગ જિલ્લામાં આવેલા અન્નપૂર્ણા પર્વત-૩ના ટ્રેકિંગ દરમિયાન સુરતના બારડોલીના પિતા-પુત્રી ગુમ થયા હતા. બે અઠવાડિયાથી વધુ સમયથી સંપર્ક ન થતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ભારે હિમવર્ષા વચ્ચે સંપર્ક વિહોણા બેનાલા પિતા-પુત્રીના મૃતદેહ ૧૯ દિવસ બાદ બરફ નીચે દટાયેલા મળ્યા છે.
આ સમાચારથી બારડોલીનું કડોદ ગામ અને સમગ્ર પટેલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે હિમવર્ષા અને પ્રતિકૂળ હવામાનને કારણે તેઓ ઠંડીનો સામનો ન કરી શક્યા અને કદાચ રસ્તો ભટકી જતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમનો સંપર્ક તૂટી જવાથી તેમને સમયસર મદદ પણ મળી શકી ન હતી. નેપાળ પોલીસે મૃતદેહોનો કબજાે લઈને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.
૨૬મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર દરમિયાન મનાંગ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષા આ પિતા-પુત્રી માટે અવરોધરૂપ બની. હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, જેના કારણે તેમનું પરત ફરવું અશક્ય બન્યું હતું અને પરિવાર સાથેનો તેમનો સંપર્ક પણ તૂટી ગયો હતો. પતિ અને પુત્રીનો સંપર્ક ન થતાં જાગૃતિબેનએ ચિંતા સાથે કડોદ આઉટપોસ્ટ પોલીસનો સંપર્ક કરીને આ બાબતની જાણ કરી હતી.

