Gujarat

ડિજિટલ ઇન્ડિયા મિશનનો દાયકો ઊજવાયો પણ નાગરિકો સંસદમાં ઓનલાઇન RTI કરી શકતા નથી

ડિજિટલ ઇન્ડિયા મિશનનો દાયકો ઉજવાઇ રહ્યો છે છતાં નાગરિકો સંસદમાં ઓનલાઇન RTI અરજી કરી શકતા નથી; સંસદનું RTI પોર્ટલ હજી વિકસિત થયું નથી. 1 જુલાઈ, 2015ના રોજ વડાપ્રધાન દ્વારા ડિજિટલ ઇન્ડિયા મિશનનું શુભારંભ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય નાગરિકોને પારદર્શી વહીવટ આપવાનો અને માહિતી સુલભતાથી મળે એવી સગવડ ઊભી કરવાનો હતો.

આજે 10 વર્ષે દેશની સંસદ પાસે RTI પોર્ટલ નથી માટે કોઈ નાગરીકને સંસદ પાસે માહિતી માંગવી હોય તો તેને પોસ્ટથી અરજી દિલ્લી મોકલવી પડે.

2005માં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલો આરટીઆઈ કાયદો નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર આપે છે. જ્યારે કેન્દ્ર સરકારે તેના મંત્રાલયો માટે આરટીઆઈ પોર્ટલ (www.rtionline.gov.in) વિકસિત કર્યું છે – જે દેશભરના નાગરિકોને RTI અરજી પોસ્ટ દ્વારા કે રૂબરૂ આપવાનો સમય અને ખર્ચ બચાવી, ઓનલાઇન અરજી દાખલ કરવાની સુવિધા પૂરી પાડે છે.

પણ આ પોર્ટલમાં સંસદ પાસે જ આરટીઆઈ દાખલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી. આરટીઆઈ કાયદા હેઠળ સક્ષમ સત્તાધિકારી તરીકે, લોકસભાને આરટીઆઈ હેન્ડલ કરવા માટે તેના પોતાના નિયમો અને પદ્ધતિઓ સ્થાપિત કરવી જરૂરી છે.

પાર્લામેંટ અંગેની વિગતો નાગરિકોને મળે તે હેતુથી, ડિજિટલ ઇન્ડિયા મિશનના ધ્યેયને અનુરૂપ “ડિજિટલ સંસદ” પોર્ટલ (https://sansad.in/) વિકસાવવામાં આવ્યું છે.

જેના પર MP દ્વારા પૂછાયેલા પ્રશ્નો અંગે અને સંસદના સત્ર અંગે વિગતો જોવા મળે પણ ઉલ્લેખનીય બાબત આ છે કે, આ પોર્ટલ પરથી પણ RTI અરજી ફાઇલ કરી શકાતી નથી એટલે લોકસભા અંગેની RTI ન તો કેન્દ્ર સરકારના પોર્ટલ, ન તો સંસદના પોર્ટલ પર દાખલ કરી શકાય છે. આ સુવિધા બંનેમાંથી એક પણ પોર્ટલ પર ઉપલબ્ધ નથી.

પરિણામે, ભારતની સંસદ પાસે આરટીઆઈ અરજી દાખલ કરવા માટે ભારતભરમાંથી નાગરિકોએ ₹10 નો ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા પોસ્ટલ ઓર્ડર લેવો પડે છે અને સંસદ ભવન (પાર્લિયામેન્ટ હાઉસ) પર પોસ્ટથી નકલ મોકલવી પડે છે અથવા લોકસભા સચિવાલયમાં કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી (CPIO) પાસે વ્યક્તિગત રૂપે જઈને જમા કરાવવી પડે છે.