Gujarat

લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા

જામનગરમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકનો મુખ્ય હેતુ જામનગર તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાઓના વિકાસ કાર્યો અને લોક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો હતો. બેઠકમાં પદાધિકારીઓએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આમાં વીજ કનેક્શન, જમીન માપણી, આધારકાર્ડ અને રાશનકાર્ડ સંબંધિત સમસ્યાઓ સામેલ હતી.

આ ઉપરાંત આવકના દાખલા, રોડ તથા બ્રિજના કામો, આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ ભરવા અંગેના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. સિંચાઈ યોજનાના કામો, ચેકડેમ રિપેરિંગ, સૌની યોજના હેઠળ પાઇપલાઇન લંબાવવા અંગેના પ્રશ્નો પણ રજૂ થયા હતા.

એસટી બસના રૂટ ફાળવવા, પીવાના પાણીની લાઈન નાખવા અને એમ્બ્યુલન્સ સુવિધા સહિતના પ્રશ્નો પણ ચર્ચામાં આવ્યા હતા. મંત્રીએ આ તમામ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તેના સત્વરે નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું.મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે લોકોની મુશ્કેલીઓ દૂર કરવા અને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા આ સંયુક્ત બેઠકનું આયોજન કરાયું છે. તેમણે ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને ‘ટીમ જામનગર’ તરીકે કામ કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે લોકોના પ્રશ્નોના નિવારણ માટે સકારાત્મક અભિગમ દાખવવા સાથે આરોગ્ય અને રોડ-રસ્તા અંગે આગોતરું આયોજન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. પ્રભારી મંત્રીએ ઓપરેશન સિંદૂર, મોકડ્રિલ અને કુદરતી આપદા સમયે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંતોષની વાત કરી હતી.મંત્રીએ પર્યાવરણ જાળવણી પર પણ ભાર મૂક્યો હતો. તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, વધુ વૃક્ષારોપણ કરવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પર્યાવરણનું જતન કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.