Gujarat

જામનગરના બ્રેઈનડેડ યુવાનના અંગોનું દાન, વિમાન માર્ગે અમદાવાદ મોકલાયા, જી.જી. હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ કોરિડોરની વ્યવસ્થા કરાઇ

જામનગરના એક યુવાનના અંગોનું દાન કરવામાં આવ્યું છે. તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો. ખાસ કોરિડોરની વ્યવસ્થા કરીને વિમાન માર્ગે તેમના અંગોને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

જામનગરમાં રહેતા 40 વર્ષીય મુકેશ બાંભણિયાને મગજની લોહીની નસ તૂટવાને કારણે મગજમાં સોજો આવી ગયો હતો. જી.જી. હોસ્પિટલમાં તબીબો દ્વારા સઘન સારવાર છતાં આજે સવારે તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

પરિવારે અંગદાન માટે સંમતિ આપતા, રાજ્ય સરકારની NGOની એક તબીબી ટુકડી અમદાવાદથી બપોરે જામનગર આવી પહોંચી હતી. જી.જી. હોસ્પિટલમાં ઓપરેશન કરીને તેમની એક કિડની અને એક લીવર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ અંગોને સાંજે વિમાન માર્ગે સલામત રીતે અમદાવાદ મોકલવામાં આવ્યા. આ માટે પોલીસે જી.જી. હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ કોરિડોરની વ્યવસ્થા કરી હતી અને રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અંગો સાથેની ખાસ એમ્બ્યુલન્સને એરપોર્ટ સુધી ઝડપથી પહોંચાડવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહીમાં જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબી સુપરિન્ટેન્ડેન્ટ ડો. દીપક તિવારીના માર્ગદર્શન હેઠળ એનેસ્થેસિયા અને ન્યુરો સર્જરી વિભાગના ડો. ભૌમિક, ડો. પવન વસોયા અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.