રાજકોટ શહેરના ૫૧મા ક્લેક્ટર તરીકે ડૉ.ઓમપ્રકાશ (IAS)એ ચાર્જ ગ્રહણ કર્યો.
રાજકોટ શહેર તા.૨૩/૬/૨૦૨૫ ના રોજ વર્ષ-૨૦૧૬ની બેચના IAS ડૉ.ઓમપ્રકાશે આજે રાજકોટના ૫૧મા જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત પદભાર સંભાળ્યો છે. ડૉ.ઓમપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેરના વતની છે અને MBBS/DPH નો અભ્યાસ કરેલો છે. આ અગાઉ તેઓ જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ પર હતા. તેમનો અગાઉના કાર્યકાળ જોઈએ તો તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે દોઢ વર્ષ અને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોણા 3 વર્ષ ફરજ બજાવી છે. રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે તેઓ તા.૮-૧૦-૨૦૧૮ થી લઈને તા.૧૭-૧૨-૧૯ સુધી ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વિવિધ નાયબ કલેક્ટરના ચાર્જ પણ તેમણે વહન કર્યા છે. તેઓ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોબેશનરી IAS તરીકે રહી ચૂક્યા છે. આજે સવારે પદભાર સંભાળતી વખતે તેમણે કહ્યું હતું કે, જિલ્લાના છેવાડાના વિસ્તારના વંચિતો, ગરીબો સુધી સરકારી યોજનાના લાભો સરળ રીતે પહોંચે એ પ્રાથમિકતા રહેશે. ગરીબ માણસોને એવી પ્રતીતિ થવી જોઈએ કે, સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તેમના માટે કામ કરી રહ્યું છે. રાજકોટમાં અગાઉ કામ કરી ચૂક્યા હોવાથી આ અનુભવ જિલ્લાના વિકાસ અને વહીવટી કામગીરીમાં ખૂબ ઉપયોગી થશે એમ તેમણે ઉમેર્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તમામ ક્ષેત્રોમાં ખૂબ ક્ષમતાઓ છે. આરોગ્ય અને શિક્ષણની સાથે જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોના વિકાસ પર ભાર મૂકવામાં આવશે. તેમણે રાજકોટ જિલ્લાના વિકાસની સકારાત્મક બાબતોને લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી. આ અવસરે નિવાસી અધિક કલેક્ટર એ.કે.ગૌતમ, શહેર પ્રાંત-૧ અધિકારી ચાંદની પરમાર, પ્રોબેશનરી IAS વૃષાલી કાંબલે વગેરે એ નવા ક્લેક્ટર નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાજકોટ પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાએ પણ આ તકે જિલ્લા કલેક્ટર ડૉ.ઓમપ્રકાશની ઔપચારિક મુલાકાત લઈને શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.



