Gujarat

રાજકોટનાં ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન તૂટતા રસ્તા પર નદીઓ વહેવા લાગી, વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન તૂટતા રસ્તા પર પાણીની નદીઓ વહેવા લાગી હતી. જેને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ અંગેની જાણ થતાં મનપાની ટીમો દોડી ગઈ હતી. અને પાણીની સપ્લાય બંધ કરી રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ પહેલા હજારો લીટરનો વેડફાટ થયો હતો.

પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરનાં વોર્ડ નંબર 1માં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં કોઈ કારણોસર પાણીની લાઇન લીક થતા હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી ગયું હતું.

પાણીની લાઈન તૂટતાં રસ્તા ઉપર પાણીની નદીઓ વહેવા લાગી હતી. અને શહેરમાં ભરશિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોની સાથે ત્યાંથી પગપાળા પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ અંગેની જાણ થતાં મનપાનાં વોટર વર્ક્સ વિભાગની ટીમો દોડી ગઈ હતી. અને સૌપ્રથમ પાણીની સપ્લાય બંધ કરવામાં આવી હતી. બાદમાં તૂટેલી પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે આ પહેલા હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી ગયું હતું.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સૌની યોજનાનાં કારણે પાણીની ખાસ મુશ્કેલી રહેતી નથી. જેને લઈને મનપા તંત્ર જાણે પાણીના વેડફાટ માટે નિષફિકર હોય તેમ સમયાંતરે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વારંવાર આવી ઘટનાઓ ન બને તે માટે પાઈપલાઈનોનું સમયસર અને યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે તે જરૂરી છે.