ડભોઇ સમલાયા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ ક્યારે શરૂ થઇ, ક્યારે પૂર્ણ થશે? એ પ્રશ્ન હાલ ઉભો થયો છે. નવેમ્બર 2023માં બે વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની શરતે જે તે એજન્સીને વર્ક ઓર્ડર અપાયો હતો.
જેને પોણા બે વર્ષ પૂર્ણ થયા છતાં હજુ જમીન સંપાદનના ઠેકાણા નથી. તો આ કામની એજન્સી કામ શરૂ કરે તો પણ ક્યારે કરે ? રેલવે તંત્ર દ્વારા આવા મંથરગતિએ જ જો પ્રોજેક્ટ ચાલશે તો પ્રજાને એનો લાભ ક્યારે મળશે ? આ બાબતે ડભોઇ મીયાગામ પ્રોજેક્ટનો દાખલો પણ સામે સાક્ષી પૂરી રહ્યો છે.
એશિયા ખંડનું ફેરોજ પ્રથમ નંબરનું રેલવે સ્ટેશન એટલે ડભોઈ (દર્ભાવતી), જેનો ઈતિહાસ સાક્ષી છે. આ સ્ટેશન પરથી છ જુદા જુદા ફાંટાઓમાં નેરોગેજ રેલવે દોડતી હતી. ત્યારબાદ છેલ્લા કેટલાક વર્ષોથી તેનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયું હતું. જેમાં ડભોઇ ચાંદોદને એકતાનગર સુધી લંબાવી લાઇન શરૂ કરાઇ છે.
ડભોઈ-છોટાઉદેપુર રેલવે લાઇન, ડભોઈ-પ્રતાપનગર – વડોદરા રેલવે લાઇન શરૂ કરાઈ છે. અને હાલ ડભોઈથી મિયાગામ કરજણનું કામ પૂર્ણ કરાયું છે. પરંતુ હજુ સુધી ટ્રેન શરૂ થઇ નથી. તેની સાથે ડભોઇથી સમલાયાનો બીજો 45 કિમીનો પ્રોજેક્ટ સંલગ્ન છે.
આમ જોવા જઈએ તો મિયાગામથી ડભોઇ સમલાયા બ્રોડગેજ રેલવે લાઇન માટે જમીન સંપાદિત ન કરાતાં બ્રોડગેજ રેલવે લાઈનનું કામ ખોરંભે પડ્યું છે. જેને લઇને વિસ્તારનાં લોકોમાં રોષ ફેલાયો છે. ડભોઈ અને ડભોઈથી સમલાયાનો પ્રોજેક્ટ કુલ રૂા.1200 કરોડનો છે. જેમાં હવે ડભોઈ સમલાયા પ્રોજેક્ટનું કામ જ શરૂ થવું જોઈએ.
જો કે રેલવે તંત્ર દ્વારા જે તે એજન્સીને નવેમ્બર- 2023માં બે વર્ષમાં કામ પૂર્ણ કરવાની શરતે વર્ક ઓર્ડર પણ આપી દીધો હતો. જેને આજે પોણા બે વર્ષ પણ પૂર્ણ થઈ ગયા. કામ ચાલુ છે એ બતાવવા રેલવે તંત્ર એજન્સી પર ધોંસ જમાવે છે.

