રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર કનેક્ટિવિટીમાં થયેલા નોંધપાત્ર વધારાના સીધા પરિણામ સ્વરૂપે હવાઈ યાત્રિકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં રાજકોટથી દિલ્હી અને મુંબઈની નવી બે-બે ફ્લાઈટ શરૂ કરવામાં આવતાં એરપોર્ટ પરનો ધમધમાટ પુરજોશમાં વધ્યો છે.
અગાઉ સરેરાશ રોજના આશરે 3 હજાર જેટલા યાત્રિકો રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હતા, જ્યારે હાલ આ આંકડો વધીને 4,600 સુધી પહોંચી ગયો છે એટલે કે, મુસાફરોની સંખ્યામાં 46 ટકા જેટલો વધારો નોંધાયો છે.આ વધારાનો મુખ્ય કારણ તાજેતરમાં દિલ્હી અને મુંબઈ માટે નવી બે-બે ફ્લાઈટ શરૂ થવી છે.
અગાઉ આ બંને મેગાસિટી માટે મર્યાદિત ઉડાનો ઉપલબ્ધ હતી, જેના કારણે બિઝનેસ તેમજ પ્રવાસી વર્ગને મુશ્કેલી પડતી હતી. હવે દિવસના અલગ-અલગ સમયમાં વધુ વિકલ્પો મળતા યાત્રિકો માટે સુવિધા વધી છે. રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ લાંબા સમયથી રાજધાની દિલ્હી અને આર્થિક હબ મુંબઈ સાથે વધુ કનેક્ટિવિટી માગતા હતા.
એરલાઈન્સ કંપનીઓએ મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખી નવી ઉડાનો શરૂ કરી છે. હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ અને ગોવા જેવા શહેરો માટે સીધી ફ્લાઈટ ઉપલબ્ધ છે.

