જામનગરના ગુરુદ્વારા નજીક ચાલી રહેલી ‘વીર બાળ દિવસ’ની ઉજવણીમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા જોડાયા હતા. તેમણે ડોક્યુમેન્ટરી નિહાળી હતી અને સેલ્ફી પણ લીધી હતી. ત્યારબાદ, તેમણે ગુરુદ્વારામાં આયોજિત લંગર પ્રસાદમાં સેવા આપી હતી અને ભક્તો સાથે કતારમાં બેસીને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.
જામનગરમાં સુભાષ બ્રિજ નીચે ગુરુદ્વારા નજીક છેલ્લા એક સપ્તાહથી ‘વીર બાળ દિવસ’ની ઉજવણી થઈ રહી છે. અહીં ગુરુ ગોવિંદસિંઘજીના સાહિબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી રહી છે અને ચાર સાહિબઝાદાઓના કટઆઉટ્સ પણ મૂકવામાં આવ્યા છે.

આ ઉજવણીના ચોથા દિવસે મંત્રી રિવાબા જાડેજા સાથે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી સહિત શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સર્વે મહાનુભાવોએ ડોક્યુમેન્ટરી નિહાળી અને વીર બાળકો સાથે સેલ્ફી લીધી હતી. મંત્રી રિવાબા સહિતના અગ્રણીઓએ સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે ગુરુ ગોવિંદસિંઘજી અને તેમના સાહિબઝાદાઓના બલિદાનનો ઇતિહાસ જામનગરની જનતા સમક્ષ પ્રદર્શિત કરવા બદલ ગુરુદ્વારા કમિટીને અભિનંદન પાઠવ્યા હતા.

જામનગર ગુરુદ્વારા કમિટી દ્વારા આ કાર્યક્રમ પ્રતિદિન ચાલુ રાખવામાં આવ્યો છે. આ ઉજવણી આગામી 28 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં દૂધની લંગર પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કમિટી દ્વારા અન્ય શહેરીજનોને પણ આ ધાર્મિક અને પ્રેરણાદાયક કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

