Gujarat

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી; આગામી દિવસોમાં માવઠાની શક્યતા

ગાંધીનગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે બુધવારે સવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.

વાતાવરણમાં આવેલા પલટાને કારણે સવાર અને સાંજના સમયે આંશિક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં હવામાનમાં વધુ પલટો આવી શકે છે અને માવઠાની શક્યતા છે.

જાન્યુઆરી મહિનાના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. 30 જાન્યુઆરી સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠાને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હાલમાં ગાંધીનગરમાં ઉત્તર દિશામાંથી 5 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સવારના સમયે આકાશ ચોખ્ખું રહે છે અને દિવસ દરમિયાન ધુમ્મસ સાથે સૂર્યપ્રકાશ જોવા મળી રહ્યો છે. મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઊંચું નોંધાયું છે.