જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કડક કાર્યવાહી કરી છે. બોર્ડની ટીમે બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ નામના કારખાનામાં અચાનક તપાસ હાથ ધરી હતી. આ કારખાનાના માલિક મનસુખભાઈ ચૌહાણ જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કારખાનામાં બ્રાસ પાર્ટ્સ પર નિકલ અને અન્ય ધાતુઓના ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાંથી નીકળતું એસિડયુક્ત પીળા રંગનું પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ વગર સીધું જ ખુલ્લી ગટરમાં છોડવામાં આવતું હતું.

પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટે જણાવ્યું કે, આ પ્રદૂષિત પાણીમાં નિકલ જેવા ભારે ધાતુના તત્વો અને હાનિકારક રસાયણો હોવાની શક્યતા છે. આ પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે જોખમી છે. કારખાનાએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ ટાળીને પર્યાવરણ સંરક્ષણ કાયદાનો ભંગ કર્યો છે.

બોર્ડની ટીમે પાણીના નમૂના એકત્રિત કર્યા છે. કારખાનાના સંચાલકોને કાયદેસરની નોટિસ આપવામાં આવી છે. સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ ગાંધીનગર મુખ્ય કચેરીને મોકલવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કડક કાયદાકીય કાર્યવાહી થવાની શક્યતા છે.

