ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો પર આવેલા નદી, તળાવ, ધોધ, નહેર અને ચેકડેમ જેવા જળાશયોમાં થતી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વી.કે. જોશીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લાના તમામ જળાશયોમાં કોઈ પણ વ્યક્તિ કે પ્રવાસીને પ્રવેશવા, ન્હાવા કે અન્ય પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ 4 ઓક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે. જાહેરનામામાં જણાવાયું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જળાશયોમાં ન્હાવાના કારણે તાજેતરમાં અનેક મોત થયાં છે. આવી ઘટના ડાંગ જિલ્લામાં ન બને, એ હેતુથી જિલ્લા પ્રશાસને એહતિયાત પગલાં રૂપે આ પ્રતિબંધ લાદ્યો છે.
જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે, તો તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ કરવા માટે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓને અધિકૃત કરાયા છે.