Gujarat

ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો ઉગ્ર જનઆંદોલનની રણનીતિ નક્કી કરશે

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ–અમદાવાદ હાઇવે માટે સંપાદિત થતી જમીન અંગે ગાંધીનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક રવિવારે યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો, વળતર અને હાઇવે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે થોડા દિવસ અગાઉ કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને હોટલ લીલા ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

તે સમયે એમને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવનારા વાસ્તવિક બજારભાવ મુજબનું વળતર અસરગ્રસ્ત ખેડૂતોને આપવા માટે તૈયારી દર્શાવી હતી, તેમજ અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે પણ ચર્ચા કરાઈ હતી.

આ મુદ્દે ખેડૂતાએ જિલ્લાના તમામ ધારાસભ્યો, કલોલ, માણસા, દહેગામ તથા ગાંધીનગરના અધિકારીઓ, એલડીએમ અને કલેક્ટર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે.

તેમાં વર્તમાન બજાર કિંમત મુજબ વળતર, સર્વિસ રોડ અને અન્ય સ્થાનિક સમસ્યાઓના નિરાકરણની માંગ કરવામાં આવી. જોકે, આજદિન સુધી આ માંગણીઓ પર કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હાઇવેનું જાહેરનામું અને સર્વે સહિતની તમામ કામગીરી સ્થગિત રાખવામાં આવે.