Gujarat

ફટાકડા ફોડી ગાયોને ગોવાળ પાછળ દોડાવાઈ-ઊડતી રજને શ્રદ્ધાળુઓએ માથે ચઢાવી

હારીજ અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે ગોવાળ પાછળ ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા હજુ પણ યથાવત્ છે. ગામની તમામ ગાયોને એક સ્થળે એકત્રિત કરવામાં આવી હતી. એ બાદ ફટાકડા ફોડીને ગૌ માતાના જય જય કાર સાથે ગોવાળોએ ગાયોને દોડાવી હતી.

ગાયો દોડતી હોય ત્યારે એની ઊડતી રજને શ્રદ્ધાળુઓએ માથે ચઢાવી હતી. ગાયોને ચારો નાખી દાન પુણ્ય કરવામાં પણ આવ્યું હતું. પાટણ જિલ્લામાં હારીજ તાલુકાના ગોધાણા ,બોરતવાડા તેમજ સમી તાલુકાના સમસેરપુરા, ધધાણા ગામે ગાયો દોડાવવાની પરંપરા છે. ગોધાણા ગામે એકસાથે સમગ્ર ગામની ગૌ માતાઓને જૂની પરંપરા મુજબ દોડાવવામાં આવી હતી.

ફટાકડા ફોડીને ગાયોને દોડાવાઈ.

ગામના હીરાભાઈ જાદવના જણાવ્યા મુજબ દીપાવલીના પર્વમાં મહિલાઓથી માંડીને પુરુષો બધાં જ પર્વ મનાવવામાં વ્યસ્ત હોય છે, જેના કારણે ગાયોને ચરાવવા જઈ શકાતું નથી. એને પગલે બેસતા વર્ષના દિવસે ખેડૂતો લીલો ઘાસચારો ગાયોને ચરવા માટે દાન કરી દેતા હોય છે. માટે તમામ ગાયોને ગામ ભાગોળે એકઠી કરી ગૌ ધનનું પૂજન કરી, એકસાથે ગાયોને દોડાવીને ખેતરમાં લઈ જવાની પરંપરા પહેલાં ગામે ગામ હતી. હાલમાં તાલુકાના કેટલાંક ગામોમાં આજે પણ પરંપરા જળવાઈ રહી છે.