Gujarat

રાજ્યમાં 27% OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની પ્રથમ ચૂંટણી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ કયારે જાહેર થશે તેની છેલ્લા 2 વર્ષથી રાહ જોવાઇ રહીં હતી ત્યારે રાજય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરી છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂટણી જાહેર થઇ છે.

આ ઉપરાંત પ્રસંગોપાત્ત ખાલી પડેલી જૂદી જૂદી નગરપાલિકાની 21 બેઠકો અને જિલ્લા પંચાયતની 9 બેઠકો અને તાલુકા પંચાયતની 91 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ ચૂટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તા.1 ફેબ્રુઆરી અને મતદાન તા. 16મી ફેબ્રુઆરીએ થશે તેમજ મતગણતરી તા. 18મી ફેબ્રુઆરીએ યોજાશે.

મતદાન સવારે 7થી સાંજે 6 કલાક દરમિયાન યોજાશે. જેમાં 38.86 લાખ મતદારો મતદાન કરશે. આ સાથે આખા રાજયમાં નહીં,પણ ચુંટણી જાહેર કરાયેલા વિસ્તારમાં તા. 21મી જાન્યુઆરીથી ચૂટણીની આચારસંહિતા અમલમાં આવી ગઇ છે.

રાજય ચૂટણી પંચ દ્વારા 27 ટકા ઓબીસી અ્નામતના અમલ સાથે યોજાનારી ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડ અને અમદાવાદ,સુરત અ્ને ભાવનગર મહાનગરપાલિકાના એક એક વોર્ડની પેટાચૂંટણી યોજાશે. ઉપરાંત 27 જિલ્લાની 68 નગરપાલિકાની ચૂંટણી યોજાશે.જેમાં વાંકાનેર અ્ને બોટાદ નગરપાલિકા સુપરસીડ થવાથી મધ્યસત્ર ચૂંટણી યોજાશે,બાકીની 66 નગરપાલિકામાં સામાન્ય ચૂટણી યોજાશે.