જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકોને અતિગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાર ગુલાંટ મારીને રોડની સાઇડમાં ખાડામાં ખાબકી આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ જામનગર અને રાજકોટના પાંચ મિત્રો GJ-36-AC-4957 નંબરની એક વરના કાર લઇને લતીપર ખાતે એક લગ્ન સમારંભમાં આવ્યા હતાં. જ્યાં રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગોકુળપુર નજીક કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ કાર ગુલાંટ મારીને રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી.

પાંચ પૈકી ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ મોત કાર ખાડામાં ખાબકતા આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા જેમણે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં રૂષિભાઈ મુકેશભાઈ ચભાડિયા (રાજકોટ), ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા (રહે. શિવનગર શેરી નં. 4, શંકરટેકરી ઉદ્યોગનગર પાસે, જામનગર) અને વિવેકભાઈ દિનેશભાઈ પરમાર ( રહે. શ્રીજી હોલ પાસે, જામનગર)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

