Gujarat

સતત ચોથા દિવસે લઘુત્તમ તાપમાનમાં વધારો; શિયાળો પાછો ફરે તેવી શક્યતાઓ નહિવત્

ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે તથા આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે, કારણ કે ગુજરાત ઉપર હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી મેદાની પ્રદેશ થઈને ગરમ પવનો આવી રહ્યા છે, જેને કારણે ગુજરાતનું તાપમાન પણ વધ્યું છે.

સામાન્ય રીતે આ સ્થિતિ માર્ચ મહિનાની શરૂઆતમાં સર્જાતી હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. આજે સતત ચોથા દિવસે લઘુત્તમ તાપમાનમાં વધારો થતા રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ ગુજરાતીવાસીઓ કરી રહ્યા છે.

ચારેય મહાનગરોમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રી પાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન પોરબંદરમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 35.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ ઉપરાંત ગતરોજ સામાન્ય રીતે ઠંડક રહેતી હોય છે તે શહેરમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. આ સિવાય રાજ્યના ચાર મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. જ્યારે મહત્તમ તાપમાન યથાવત્ અથવા તો અડધા ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લઘુત્તમ તાપમાન 20.6 ડીગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.