સાણંદ શહેરના નળ સરોવર રોડ પર નવા બાયપાસથી આગળ રોડ પર કોઈ અજાણ્યા વાહનની અડફેટે રોઝ તરીકે ઓળખાતી નીલગાય આવતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી, સમગ્ર બનાવ અંગે સ્થાનિકોને જાણ થતાં બચાવ માટે સાણંદ શહેરની જાણીતા સાધન ફાઉન્ડેશન, સદભાવના ટ્રસ્ટ સાથે સાણંદ વન વિભાગ કચેરીના સંકલનથી વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર બોડકદેવ ખાતે વધુ સારવાર ખસેડવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સાણંદ શહેરના નળ સરોવર રોડ પર નવા બાયપાસ પાસે રોડ પર નીલગાય (રોઝ)ને કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવતા ગંભીર ઇજાગ્રસ્ત બન્યું હતું. અકસ્માત અંગે સ્થાનિકોને જાણ થતાં દોડી આવ્યા હતા, બીજી તરફ અકસ્માત બાદ અજાણ્યા વાહનચાલક ફરાર થયો હતો.
ઇજાગ્રસ્ત નીલગાયને બચાવવા અને સારવાર માટે સાણંદના સાધન ફાઉન્ડેશન, સદભાવના કેન્દ્ર સાથે સાણંદ વન વિભાગ કચેરીના સંકલનથી ઇજાગ્રસ્ત નીલગાયને સારવાર માટે અમદાવાદ ખાતે આવેલ બોડકદેવમાં વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યું હતું. સ્થાનિક જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.